ૐકારનો અનુભવ :-
ૐકાર દિવ્ય નાદ છે. એ પરમ સંગીત છે. સૃષ્ટિના બધા જ સ્વર આમાં પરોવાયેલા છે. વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓનો કલરવ, ઉચ્ચ હિમશિખરો પર છવાયેલી શાંતિ, પહાડો પરથી ઉતરતાં ઝરણાઓઅનું ખળખળ, વૃક્ષોમાંથી પસાર થતી હવાની સરસર, મહાસાગરોમાં લહેરોનું તર્જન, આકાશમાં વાદળાંઓનું ગર્જન દરેકનો સાર આ ૐકાર છે.
ૐકાર શબ્દ બીજ છે. બધા જ શબ્દોની ઉત્પત્તિ આની જ અંદરથી થઇ છે. આમાંથી જ તેમને જીવન મળે છે અને આમાં જ તેમને લય પામવાનું છે. વેદ જ નહિ. બાઇબલ પણ ૐમાંથી ઉત્પન્ન થયું છે. ગીતા અને ગાયત્રી આમાંથી જ પ્રગટ થયાં છે. એટલા માટે તો વેદ કહે છે કે જેણે ૐને જાણી લીધો, તેમને જાણવા માટે કશું બાકી રહ્યું નથી. બાઇબલ પણ આ જ સચ્ચાઇને દોહરાવે છે કે પ્રારંભમાં ઇશ્વર હતા અને ઇશ્વરની સાથે શબ્દ હતો અને પછી એ જ શબ્દ દ્વારા બધું પ્રગટ થયું.
ૐકાર સૃષ્ટિ બીજ છે. એ સૃષ્ટિની બધી જ ઊર્જાઓનો પરમ સ્ત્રોત છે. અનંત બ્રહ્માંડમાં વ્યાપ્ત ઊર્જાના વિભિન્ન સ્તર, આયામ અને ઊર્જાધારાઓ ૐકારમાંથી જ પ્રવાહિત થયાં છે. ત્યારે જ ઉપનિષદ કહે છે કે ૐકારમાંથી બધું જ ઉત્પન્ન થયું, ૐકારમાં દરેકનું જીવન છે અને અંતમાં બધું જ ૐકારમાં વિલીન થઇ જશે. સૃષ્ટિના સૂક્ષ્મતમથી મહાવિરાટ હોવા સુધીનાં બધાં જ રહસ્યો આ ૐકારમાં સમાયેલા છે.
ૐકાર ધ્યાન બીજ છે. એના ધ્યાનથી બધાં જ રહસ્યો ઉજાગર થાય છે. શક્તિના સ્ત્રોત ઊભરે છે. આ ૐકાર અમારામાં છે, તમારામાં છે, દરેકમાં છે, પરંતુ છે હજી એ બંધનમાં. જયાં સુધી એ બંધનમાં રહેશે ત્યાં સુધી આપણી અંદર રુદનનો હાહાકાર મચેલો રહેશે, વેદનાઓ આપણે છંછેડતી રહેશે. ૐકાર બંધનમુકત થવાની સાથે જ રુદનનો ચિત્કાર સંગીતના ઉલ્લાસમાં ફેરવાઇ જશે. આ બંધનમુક્તિ ધ્યાન દ્વારા જ સંભવ બને છે. ધ્યાન દ્વારા જ ૐનું બીજ અંકુરિત, પલ્લવિત, પુષ્પિત થાય છે. આ ૐકારનાં ધ્યાનમાંથી જ ગાયત્રીનું ગાન ફૂટે છે. એ શાસ્ત્રની નહિ અનુભવની વાત છે.
